આતિથ્યની ભાવના


પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગયા. જેમનું નામ હતું અવ્નાઇયર. આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે. તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં તેમના સંસારીક જીવનનો ત્યાગ કરી, એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી લીધો હતો. આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતાં. જેમાં ગરીબ અને તવંગર, શહેરો અને ગામડાં, વેપારીઓ અને ખેડૂતો, રાજા અને રંક સૌને મળતાં. તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતાં કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે. તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતાં. તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થતું. લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા. તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતાં.

આ અમાપ પ્રેમનો બદલો અવ્વાઇયરે અમર ગીતો અને પદો લખીને વાળ્યો હતો; કારણકે તેઓ અદ્ભુત કવિયત્રી હતાં. તેમનાં પદો આજેય તામિલ ભાષા જાણનારાઓ ગાયા કરે છે. તેમનાં પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે.

તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર છે. એક સમયે અંધારી રાત્રે જ્યારે વરસાદ ધોધમાર પડતો હતો ત્યારે અવાઇયરને જંગલમાં એક ઝૂંપડીનો દરવાજો ખટખટાવવાની જરૂરત લાગી, કારણકે વરસાદમાં પલળી ગયા પછી તેઓ રીતસર ધ્રૂજતાં હતાં.

ઝૂંપડીનો દરવાજો અઇવેલે ખોલ્યો જે સ્થાનિક આદિવાસી લોકોનો મુખીયો હતો. ભલે અઈવેલ મુખીયો હતો પરંતુ દુનિયાની દૃષ્ટિએ જેને ધનિક કહેવાય તેવો ધનવાન ન હતો. તે અને તેના નાનકડા આદિવાસી જૂથ પાસે થોડી જમીન અને ઢોરઢાંખર હતાં; જે તેઓ સહિયારી ીતે ખેડીને ઉપજ મેળવતા હતા.

આવી વરસાદી રાત્રે અવ્વાઇયરને પોતાને આંગણે જોઈ તે તો ખુશ ખુશ થઈ ગયો. ઝૂંપડીમાં આ સંતને તેણે માનભેર આવકાર આપી, તરત જ તે કામળી લઈ આવ્યો અને સંતને ઓઢાડી, જેથી તેમની ધ્રુજારી ઓછી થાય. અઈવેલે જોયું કે સંત અવ્વાઇયર ભૂખથી નબળા પડી ગયા છે એટલે તેણે ઝૂંપડીમાં અંદર જઈ રસોઈની તૈયારી કરવા માંડી. થોડા સમયમાં તેણે બકરીનું દૂધ અને ફળફળાદિ સંતને ચરણે ધર્યાં.

ખૂબ આદર સાથે અઇવેલે કહ્યું : “મા, આપને તો રાજમહેલોમાં સત્કાર મળે છે. રાજવીઓ અને અમલદારો આપની જબરદસ્ત ખાતરબરદાસ્ત કરે છે. પરંતુ આજે આ મેઘલી રાતે હું આપને આથી વધારે સારું કશું જ આપી શકું તેમ નથી. કૃપા કરી મારા આ પ્રસાદને સ્વીકારો અને મને આપના આશીવિંદ આપો.'

આ નમ્ર અને વિવેકી માણસના દંભ રહિત આદર-સત્કારથી અવ્નાઇયરનું હૃદય દ્રવી ઊઠ્યું. તેઓએ જોયું કે રાજમહેલોની વાનગીઓ કરતાં આ નાનકડા માનવીનું ખાણું ખરેખર ઉમદા હતું. તેણીએ અઇવેલને આશીર્વાદ આપ્યા એટલું જ નહિ પણ તેના વિષે પદો લખી અઇવેલને ખ્યાતનામ કરી દીધો. તેઓએ અઇવેલની દયા' નામથી જે પદો લખ્યાં તે આજે પણ તામિલનાડુમાં ગવાય છે.

આપણા પુરાણોમાં તો મહેમાનને ભગવાન ગણવામાં આવ્યા છે અને તેથી તો “અતિથિ દેવો ભવ' એક સુભાષિત તરીકે ખ્યાતનામ છે. અતિથિ એટલે એવા લોકો જેઓ તિથિ કે વાર કહ્યા વગર તમારા આંગણે આવી જાય. અગાઉથી જણાવ્યા વગર આવી ચડેલ મહેમાનને અતિથિ કહેવામાં આવે છે. આવા મહેમાનોને પ્રેમ અને આદર સાથે સત્કાર આપવો જોઈએ. કદાચ આવા મહેમાનોને મિજબાની જેવું ભોજન આપવાની આપણી શક્તિ ન પણ હોય છતાંય આપણે જે ભોજન ખાતા હોઈએ તે આપણે તેમને પ્રેમ અને આદરપૂર્વક આપીએ તોપણ આપણે આતિથ્યની ભાવનાને મૂર્તિમંત કરી કહેવાય અને તે જ સાચી આતિથ્યની ભાવના છે.