ઊછીની જિંદગી

 

સ્વામી વિવેકાનંદને એક વાર પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ધર્મમાં માનો છો ? તમારો ધર્મ કર્યો ?' તેમનો જવાબ નોંધપાત્ર હતો. તેમણે કહ્યું : ‘એકતા અને પ્રેમ, સેવા અને ત્યાગથી ઊંચો કોઈ ધર્મ હોય તો તે હું જાણતો નથી.' તેમના માટે જીવન એટલે સેવા કરવી, જીવન એટલે પ્રેમ આપવો, જીવન એટલે બીજાઓના બોજાઓને ઊંચકી લઈ તેમને હળવા કરવા. જીવનમાં આપણી પાસેનું સર્વસ્વ બીજાઓ સાથે વહેંચીને વાપરવું. 

એક સાંજની વાત છે, સ્વામી વિવેકાનંદ એક ઝાડ નીચે એક ગરીબ માણસને પડેલો જોયો તેનાં કપડાં જીર્ણ અને ફાટેલાં હતાં. તેના પગ ઉપર કાદવ ચોટેલો હતો સ્વામી વિવેકાનંદ તો તરત જ ઊભા રહી ગયા. તેમણે તરત નજીકના તળાવથી પાણી મંગાવ્યું. જેવું પાણી આવ્યું કે તેમણે પોતાના હાથે તે માણસના પગ સાફ કર્યા અને પોતે પહેરેલા વસ્ત્ર તે માણસને આપ્યું જે તેણે પહેરી લીધા. 

એ સમયે સ્વામી વિવેકાનંદએ જે શબ્દો કહ્યા તે કાળજે કોતરાઈ ગયા. તેમણે કહ્યું : “આ વસ્ત્રો અને બીજું જે કાંઈ મારી પાસે છે તે પ્રકૃતિએ ઉધાર પેટે મને આપેલ છે. મારા કરતાં તે વ્યક્તિને તેની વધારે જરૂર છે. તેને મારે તે આપી દેવી જોઈએ.’ પ્રકૃતિએ આપણને દરેક વસ્તુ ઉધાર પેટે આપી છે. જેવું આપણે જોઈએ કે આપણાથી વધુ જરૂરિયાતવાળું કોઈક છે તો આપણે તે તરત તેને આપી દેવું જોઈએ.

આપણું તો કાંઈ નથી. કશું જ કાયમી ધોરણે આપણને આપવામાં આવ્યું નથી. દરેક વસ્તુ આપણને ઉધાર પેટે મળી છે. આપણો સમય, આપણી આવડત, આપણો અનુભવ, આપણું ડહાપણ, આપણી પ્રતિષ્ઠા, આપણી સંપત્તિ અને સમૃદ્ધિ અરે આપણી જિંદગી સુધ્ધાં ઊછીની મળેલી છે. 

સ્વામી વિવેકાનંદના શબ્દો જો આજની દુનિયા આત્મસાત કરે તો એક નવી જ સંસ્કૃતિ પૂરબહારમાં ખીલે તેમાં શંકા નથી. ગુરુ શિરોમણી વેદ વ્યાસનું નીચેનું સુભાષિત કેટલું યોગ્ય છેઃ

ઢગલાબંધ પુસ્તકો દ્વારા આપણને જે જ્ઞાન મળ્યું છે તેને જો એક વાક્યમાં કહેવું હોય તો તે આ છે : માનવ બંધુઓની સેવા કરવી એ ઇનામને પાત્ર કૃત્ય છે અને કોઈને હાનિ પહોંચાડવી એ પાપ છે.'