પરમેશ્વરની રીત


એક બોર્ડિંગ સ્કૂલમાં બે કિશોરોને નાનાં નાનાં કામો સોંપવામાં આવ્યાં હતાં જે થોડી શારીરિક મહેનતના હતા; જેમકે જમ્યા બાદ બધાં ટેબલો સાફ કરી દેવાના, ફરસ ઉપર પોતું મારી દેવાનું વગેરે વગેરે.

બેમાંથી એક કિશોર આ જાતના કામથી ઘણો નાખુશ હતો. તે ઝડપથી, બેદરકારીપૂર્વક કામ પતાવી રમવા ભાગી જતો. જ્યારે બીજો કિશોર આ જોઈને, ફક્ત પોતાનું કામ સંતોષજનક રીતે કરતો એવું નહીં પણ પહેલાં કિશોરના કામને પણ સારી રીતે પૂરું કરી દેતો.

આ બંનેના કામ પર ધ્યાન રાખતા શિક્ષકની નજરમાં તરત આ વાત આવી અને તેથી તેમણે પેલા ખંતીલા કિશોરને પૂછ્યું કે તે શા માટે પેલા આળસુ કિશોરનું કામ પૂરું કરી દે છે ? કિશોરનો જવાબ નોંધવા જેવો હતો : ‘પ્રભુ આપણને કહેતા આવ્યા છે કે તમારા સૌમાં જે મહાન થવા સર્જાયેલ છે તેને બધાનો સેવક બનવા દેજો. પ્રભુની આ વાણી જેને આપણે પરમેશ્વરની રીત કહીએ છીએ તે જ મને આ રીતે કામ કરવાની પ્રેરણા આપે છે.’