શરણાગતિની પ્રાર્થના
એક રાણીની વાત છે જે તેની દયા અને ભક્તિ માટે ખૂબ જાણીતી હતી. એક વખતની વાત છે. તેની નાનકડી કુંવરી બીમાર પડી એટલે રાજ્યના ઉત્તમોત્તમ વૈદ્યો તેની સારવારમાં હાજર થઈ ગયા. પરંતુ દવાદારૂ કર્યા છતાંય કુંવરીની હાલત દિનબદિન બગડતી ચાલી.
રાણીને પરમકૃપાળુ પરમાત્મામાં અચલ શ્રદ્ધા હતી. તેનાથી પોતાની દીકરીની માંદગી જોઈ જતી ન હતી. તે પરમાત્માને રડતાં રડતાં વિનવણી કરતી કે : ‘હૈ પ્રભો ! મારી દીકરીને સાજી કરી દો. તેની મદદે આવો. પરંતુ કુંવરી સાજી ન થઈ અને તેની હાલત વિશેષ બગડી ગઈ. વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા કે હવે તેઓ કશું કરી શકે તેમ નથી.
એ સમયે એક સાધુ મહાત્મા મહેલની મુલાકાતે આવ્યા હતા. તેમણે વાત જાણી અને રાણીને સૂચન કર્યું કે આપે બધી જ પ્રાર્થનાઓમાં શ્રેષ્ઠ એવી શરણાગતિની પ્રાર્થના અજમાવવા જેવી છે.'
રાણીએ જાણવા માગ્યું કે આ શરણાગતિની પ્રાર્થના શું છે ? મહાત્માએ સમજાવ્યું કે આપ પરમકૃપાળુ પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લો. આપના બાળકને તેને હવાલે સોંપી દો. તે પછી એ બાળકની સંપૂર્ણ જવાબદારી ‘એની” રહેશે. પછી આપે એમની' પાસે કશું જ માંગવાનું રહેશે નહીં.
રાણીનાં મન અને હૃદયમાં આ વાત ઠસી ગઈ. તે જ પળે તેણીએ ઘૂંટણિયે પડી પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું કે હે નાથ, આ બાળક હવે મારું નથી. તે તારું છે. હું તેને સંપૂર્ણ રીતે તારા શરણે ધરી દઉં છું. તારી ઇચ્છા મુજબ એને રાખજે.' આવી પ્રાર્થના બોલતાં બોલતાં રાણીની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. જગતમાં લોકો બધી જ વસ્તુઓ પ્રભુને શરણે અને ચરણે ધરી દેતા હોય છે, પણ પોતાના લોહીને કોણ આમ ચરણે ધરે ?
રાણીએ પોતાની પ્રાર્થના ચાલુ રાખી અને વૈદ્યોના આશ્ચર્ય વચ્ચે કુંવરી ધીરે ધીરે સાજી થવા માંડી અને થોડા સમયમાં તો તે ફરી સ્વસ્થ અને તાજીમાજી થઈ ગઈ.
શરણાગતિની આ પ્રાર્થના અત્યંત કઠિન પરીક્ષા સમાન છે. આપણી શ્રદ્ધાની આકરી કસોટી થાય છે. આપણું સર્વસ્વ તેના' ચરણે ધરી દેતા થોડો ડર તો જરૂર લાગે છે પણ જેને પરમકૃપાળુ દેવમાં અપાર શ્રદ્ધા હોય છે તે તો કહી જ દે છે કે મારી નહિ, પ્રભુ તારી ઇચ્છા મુજબ થાઓ.’