અને શ્રીકૃષ્ણ પધાર્યા
આ એક એવી મહિલાની વાત છે જે કૃષ્ણ ભગવાનની પરમ ભક્ત હતી. તેનો આખો દિવસ કૃષ્ણભક્તિમાં પસાર થતો હતો. તે પ્રાર્થના, પૂજા અને કૃષ્ણના નામની માળા જપવામાં સમય પસાર કરતી. તેની હૃદયની મહેચ્છા એ હતી કે શ્રીકૃષ્ણ પ્રભુ સદેહે તેના ઘરે પધારે અને તે તેઓને ભાવપૂર્વક આવકારી તેમનાં ચરણોની પૂજા કરે.
એક રાતની વાત છે. તેના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા અને બોલ્યા : 'તારી સાધનાના ફળ રૂપે હું કાલે તારા ઘરે પધારીશ. મારી રાહ જોજે અને મને ઓળખી જજે.'
આ મહિલાને તો આનંદનો પાર ન રહ્યો. તે તો વહેલી સવારે ઊઠી ગઈ. ઘરના ખૂણે ખૂણાને ચોક્ખો કર્યો. પોતાના હાથે ભાવતા ભોજન બનાવ્યા. જ્યારે તેણે જોયું કે બધું જ કામ સુંદર રીતે પતી ગયું છે ત્યારે તે ઘરના દરવાજે જઈ ઉંબર ઉપર બેસી ગઈ અને શ્રીકૃષ્ણ ભગવાનની રાહ જોવા માંડી.
સવારના પહોરમાં કેડેથી વળી ગયેલો એક વૃદ્ધ તેના આંગણે આવ્યો અને બોલ્યો : ‘બેન, તું તો દયાની દેવી જેવી લાગે છે. શું તું મને નજીકની હૉસ્પિટલ સુધી મૂકી જઈશ. મને સારવારની જરૂર છે એટલે ત્યાં ડૉક્ટરો મને મદદ કરશે.'
આ મહિલા બોલી : ‘જુઓ બાબા, તમને હું જરૂર મદદ કરી શકી હોત પણ આજે નહિ. આજે પ્રભુએ મારે ઘેર આવવાનું મને વચન આપ્યું છે, એટલે આજે હું ક્યાંય જઈશ નહીં. મારી પાસે સમય નથી. નિરાશ થઈ એ વૃદ્ધ ધીરે ધીરે ચાલ્યો ગયો.
થોડી વાર પછી એક ફકીર તેના આંગણે આવ્યો. તેણે ખૂબ સુંદર ભજનો ગાયાં અને મહિલાને વિનંતિ કરી કે “મને થોડું ખાવાનું આપો તો મહેરબાની. હું ભૂખ્યો છું અને હજી મારે ઘણે દૂર જવાનું છે.
આ મહિલા બોલી : ભાઈ, તમારી વાત સાચી છે પણ આજે નહિ. મને તમને જમાડવામાં કોઈ વાંધો નથી, પરંતુ આજે પ્રભુ મારા આંગણે પધારવાના છે તેથી તેમને જમાડ્યા વગર તમને તો શું કોઈને હું ભોજન આપી શકું તેમ નથી. પ્રભુ સિવાય કોઈના પણ માટે કંઈ પણ કરવાનો મારી પાસે સમય નથી.'
ફકીર હસી પડ્યો અને પોતાના રસ્તે ચાલ્યો ગયો. કલાકો પસાર થવા માંડ્યા અને આ મહિલા આતુર નયને ભગવાન શ્રીકૃષ્ણની રાહ જોતી બેસી રહી.
એ દરમિયાન ગરીબ બાઈ, જેણે કેડે એક બાળકી ઉંચકેલી હતી. અને બીજા બે નાના બાળકો હતા, તે તેની સાથે ચાલતા ચાલતા ત્યાં આવીને ઊભા. તેણે પેલી મહિલાને કહ્યું 'બેન, ભગવાન તારું ભલું કરે. અમને કશુંક આપ કારણ કે અમે સાવ ગરીબ છીએ અને જરૂરિયાતમંદ છીએ. પ્રભુ ચોક્કસ તને આ સારા કામનો બદલો આપશે.
મહિલાએ કહ્યું : 'તારી વાત સાચી છે પરંતુ આજે નહિ. આજે તો પ્રભુ મારા આંગણે પધારવાના છે માટે તું રસ્તામાંથી હટી જા. કાલે આવજે. કાલે તને જે જોઈએ તે આપીશ.'
પેલી ગરીબ બાઈએ ખૂબ આજીજી કરી, વિનંતિ કરી પરંતુ પેલી મહિલા ટસની મસ ન થઈ. નિરાશ થઈને એ મહિલા ચાલી ગઈ. પછી તો રાત પડી ગઈ. મહિલા તો દરવાજે પગથિયા પર રાહ જોતી બેઠી રહી. ચંદ્ર અને તારાઓ આકાશમાં નીકળ્યા અને દુનિયા જંપી ગઈ.
કંટાળીને મહિલા ઊભી થઈ તેની આંખમાં આંસુ આવ્યાં. તે ઘરમાં જઈ પોતાના ઘરમંદિરમાં મૂકેલી શ્રીકૃષ્ણની મૂર્તિ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. આખા દિવસના રાહ જોવાના થાકને લીધે તેની આંખ મળી ગઈ.
તે સમયે તેને સ્વપ્ન આવ્યું. ભગવાન શ્રીકૃષ્ણ તેની નજરે પડ્યા. તે સહસા બોલી ઊઠી : પ્રભુ, તમે કેમ આમ કર્યું ? તમે મને વચન આપ્યું હતું કે તમે આવશો અને તમે વચન ન પાળ્યું. હું આખો દિવસ રાહ જોતી બેસી રહી.'
પ્રભુ બોલ્યા : ‘બેટા, મેં તો મારું વચન પાળ્યું હતું. હું મદદ અને સહાય માંગવા તારી પાસે આવ્યો હતો. એક વાર નહીં, ત્રણ વાર. પરંતુ તેં તો મને પાછો મોકલી દીધો હતો.'
આ મહિલા અવાચક થઈને સાંભળી રહી.
પ્રભુ આપણી સમક્ષ ઘણાં સ્વરૂપે આવે છે. તેમને ઓળખવાની દિષ્ટ આપણે ગુમાવી બેઠા છીએ કે શું ?